ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ અને પ્રતિબંધોને લઈને મહત્વના સમાચાર, લેવાઈ શકે આવો નિર્ણય

ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ

ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ અને પ્રતિબંધોને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક ગાંધીનગર ખાતે યોજાવાની છે.

  • પ્રતિબંધો અંગે આજે થશે સમીક્ષા
  • હાલમાં 36 શહેરોમાં છે રાત્રી કર્ફ્યૂ
  • કેસ ઘટતા પ્રતિબંધ થઈ શકે છે હળવા

ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં રાજ્યભરની કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે. તેમજ રાજ્યમાં લાગેલા પ્રતિબંધો અને કર્ફ્યૂ મામલે નિર્ણય લેવાશે. બેઠક બાદ રાજ્ય સરકાર કર્ફ્યૂ મુદ્દે નવો નિર્ણય જાહેર કરશે.

પ્રતિબંધો હળવા થઇ શકે :

રાજ્યમાં કોરોનાના કેસો ઘટતા સરકાર પ્રતિબંધો હળવા બનાવી શકે છે. વેપારી એસોસિએશન પણ અગાઉ કર્ફ્યૂ હટાવવાની માગ કરી ચૂક્યા છે. આપને જણાવી દઈએ કે, અગાઉ વાવાઝોડાને કારણે 3 દિવસ 18, 19 અને 20 મે સુધી પ્રતિબંધો લંબાયા હતા. હાલ રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગૂ કરાયો છે.

વાવાઝોડાને લઈ ત્રણ દિવસના કર્ફ્યૂનો પરિપત્ર જાહેર થયો હતો  :

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જાહેરાત કરાઈ છે. 18મી મે 2021થી રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના આ રાત્રી કર્ફ્યુનો અમલ તા.21મી મે 2021ની સવારે 6 વાગ્યા સુધી આ શહેરોમાં કરવાનો રહેશે. 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો લાગુ રહેશે. આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનો ચાલુ રહેશે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ :

કોરોનાના દૈનિક કેસને લઇ ગુજરાતની પ્રજા માટે રાહતના સમાચાર છે. કારણ કે રાજ્યના દૈનિક કેસ 5 હજારે પહોંચ્યા છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના નવા 5 હજાર 246 કેસ નોંધાયા છે.બીજી તરફ કોરોનાના કારણે મૃત્યુનો આંકડો પણ ઘટ્યો છે. રાજ્યમાં કોરોનાથી વધુ 71 દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે.


રાજ્યના એક્ટિવ કેસમાં પણ થયો ઘટાડો :

તો આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 71 હજાર 447ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 340 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 6 લાખ 69 હજાર 490 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 92 હજાર 617 એક્ટિવ કેસ છે, જેમાંથી 742 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 91 હજાર 875 દર્દીની હાલત સ્થિર છે.


આજથી રાજ્યમાં ફરી રસીકરણની કામગીરી :

આજથી રાજ્યમાં ફરી રસીકરણની કામગીરી શરૂ થશે. 14મી મે બાદ 45 વર્ષથી વધુની ઉંમરનાનું રસીકરણ બંધ થયું હતું.  નવા દિશાનિર્દેશો પ્રમાણે આવતીકાલથી રસીકરણ કરવામાં આવશે. 17મી મે બાદ વાવાઝોડાની સ્થિતિને કારણે રસીકરણ અટક્યું હતું. આજથી ફરી 45 વર્ષથી વધુ વયના નાગરિકોને રસી મળશે. કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 12 થી 16 સપ્તાહ વચ્ચે મળશે. 18થી 44 વર્ષના નાગરિકોને રજીસ્ટ્રેશન પ્રમાણે રસી મળી શકશે.
Previous Post Next Post